ચીનમાં ઉત્પન્ન થયેલાં કોરોના વાયરસે હાલ વિશ્વભરમાં ફફડાટ ફેલાવીને મૂક્યો છે. ભારતમાં કેરળમાં કોરોના વાયરસના કેસ નોંધાયા છે. તેવામાં ગુજરાતમાં પણ કોરોના વાયરસનાં શંકાસ્પદ કેસ નોંધાયા છે. ચીનથી વિદ્યાર્થીઓને ગુજરાતમાં લાવ્યા બાદ કોરોના વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. મહેસાણાની મેડિકલની વિદ્યાર્થિની ચીનથી પરત આવ્યા બાદ ખાંસી અને તાવની ફરિયાદ ઉઠતાં તેને સિવિલમાં બનાવેલાં આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. તો ગુજરાતમાં કોરોના વાયરસનો કોઈ કેસ ન હોવાની વાત આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું હતું. જે બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ કેસ નથી.

ચીનમાં કોરોના વાયરસને કારણે ગુજરાતી વિદ્યાર્થીઓ તાત્કાલિત વતન ભેગાં થઈ ગયા હતા. જેમાં ગત 13 જાન્યુઆરીએ વતન પરત ફરેલી મહેસાણાની મેડિકલની વિદ્યાર્થિનીએ ઘરે પરત ફર્યા બાદ ખાંસી અને તાવની ફરિયાદ કરી હતી. કોરોના વાયરસના ભયને કારણે તાત્કાલિક વિદ્યાર્થિનીને મહેસાણા સિવિલમાં બનાવવામાં આવેલાં આઈસોલેશન વોર્ડમાં ખસેડી દેવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલમાં વિદ્યાર્થિનીના રિપોર્ટ લઈ તેને પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. તો બીજી બાજુ સાબરકાંઠાના બે વિદ્યાર્થી સ્થાનિક સ્ક્રિનિંગમાં શંકાસ્પદ જણાતાં તેમને પણ આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. સોમવારે ચીનથી ભારત આવેલા બનાસકાંઠાના 42 અને સાબરકાંઠા જિલ્લાના 5 છાત્રોનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.

તો આ મામલે આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતનાં લોકોને કોરોના વાયરસને કારણે ડરવાની જરૂર નથી. ગુજરાતમાં એકપણ કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નથી. 

మరింత సమాచారం తెలుసుకోండి: