દિલ્હીમાં નાગરિકતા કાયદા મુદ્દે સોમવારે સતત બીજા દિવસે ભજનપુરા, મોજપુર અને જાફરાબાદ,ગોકુલપુરી, યમુનાપારના ઘણા વિસ્તારમાં હિંસા થઈ હતી. ઉપદ્રવીઓએ ઘણે ઠેકાણે ભારે પથ્થરમારો કરીને ઘણા વાહનોની આગચંપી કરી હતી. ગોકુલપુરીમાં પ્રદર્શનકારીઓ તરફથી કરાયેલ ગોળીબારમાં હેડ કોન્સ્ટેબલ રતનલાલનું મોત થયું હતું તો ભારે પથ્થરમારામાં ઘાયલ થયેલા ડીસીપી અમિત શર્માને હોસ્પિટલ ખસેડાયા હતા. શર્માની ગાડીને પણ આગ ચાંપી દીધી હતી. હિંસામાં 37 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. 

 

એસીપી ગોકુલપુરી પણ ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા તો બીજી બાજુ બે સામાન્ય નાગરિકનું પણ મોત થયું હતું. ઉત્તર પૂર્વી દિલ્હીના મોજપુર વિસ્તારની હિંસાની ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં એક યુવાન હાથમાં તમંચો લઈને ગોળીબાર કરી રહેલો દેખાતો હતો. સોમવારે મોડી રાત્રે ટ્રમ્પ દિલ્હી પહોંચ્યા ત્યારબાદ ફરી એક વખત તોફાનીઓ સક્રિય થયા હતા અને ગોકુલપુરી ટાયરમાર્કેટમાં આગ ચાંપી હતી. બીજી તરફ રાજ્ય સરકારે મંગળવારે સંવેદનશિલ વિસ્તારોમાં શાળા કોલેજો બંધ રાખવાના આદેશ આપ્યા હતા.

 

હેડ કોન્સ્ટેબલ રતનલાલના મોતના સમાચાર સાંભળતા તેમની પત્ની બેહોશ થઈ ગઈ હતી. હિંસામાં મોહમ્મદ ફુરકાન નામના યુવાન અને અન્ય એક સામાન્ય નાગરિકનું પણ ગોળી વાગી હતી જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. તોફાનીઓ દ્વારા ડીસીપી શર્માની ગાડીને પણ આગ લગાવી દેવાઈ હતી. તેને પગલે પોલીસે ૧૦ વિસ્તારોમાં ધારા ૧૪૪ લાગુ પાડી દીધી હતી.

 

ગૃહમંત્રાલયે એવું જણાવ્યું કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને ધ્યાનમાં રાખીને દિલ્હીના કેટલાક ભાગોમાં જાણીજોઈને હિંસા કરાઈ હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. કેટલાક લોકો ટ્રમ્પની સામે ભારતની છાપ બગાડવા માગે છે તેથી તેમણે હિંસા માટે આ સમયની પસંદગી કરી છે. અમેરિકી પ્રમુખ  ટ્રમ્પની મુલાકાતે સમયે આ હિંસા ભડકી ઊઠી હતી.

మరింత సమాచారం తెలుసుకోండి: