આજે પણ રાજ્યમાં નવા 94 કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ આંકડો 2272 થયો છે. આજે હોટસ્પોટ અમદાવાદમાં 61 અને સુરતમાં 17 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં વધુ પાંચ દર્દીઓના મોત નિપજ્યા છે. રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વાત કરીએ તો, કુલ 2020 લોકોની તબિયત સ્ટેબલ છે અને 13 દર્દી વેન્ટિલેટર પર છે. ત્યારે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ એક આશ્ચર્યજનક નિવેદન આપીને લોકોને આશ્ચર્યમાં મૂક્યા હતા.

 

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ એક આશ્ચર્યજનક નિવેદનમાં જણાવ્યું હતું કે, હવેથી દરરોજ ગુજરાતમાં 2000 જ લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે, આ સિવાય રાજ્યમાં રહેલા પોઝિટિવ દર્દીના પણ કેટલાક ટેસ્ટ કરાશે તેના સિવાય વધારાના કોઈ ટેસ્ટ કરવામાં આવશે નહીં. આ નિવેદન બાદ લોકોના મનમાં સવાલ ઉભો થઈ રહ્યો છે કે, રાજ્યમાં કોરોનાના વધુ દર્દીઓ હોવા છતાં ટેસ્ટ ઘટાડવાનો નિર્ણય આશ્ચર્યજનક છે. લક્ષણો હોય તેવા દર્દીના ટેસ્ટ વધુ કરાશે. તો ગુજરાતમાં લક્ષણો વગરના પોઝિટિવ કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

 

ગુજરાત કોરોનાના દર્દીમાં દેશમાં બીજા નંબરે પહોંચ્યું છે. ત્યારે વધુ દર્દી હોવા છતાં ટેસ્ટ ઘટાડવા તે બાબતનો નિર્ણય આશ્ચર્ય જનક કહી શકાય તેમ છે. અમદાવાદમાં નવા 61 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોના પીડિતોની સંખ્યા 1434 પર પહોંચી છે. તો સુરતમાં કુલ કેસોની સંખ્યા 364, વડોદરામાં 207 અને રાજકોટમાં 41 પર પહોંચી છે. તો પાંચ લોકોને સારવાર બાદ રજા પણ આપવામાં આવી છે.

మరింత సమాచారం తెలుసుకోండి: