UPના રામપુરના સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમખાને પત્ની તંજિન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમ સાથે બુધવારે રામપુરની એક વિશેષ કોર્ટમાં આત્મસમર્પણ કરી દીધું હતું. અદાલતે તેમને ત્રણેયને બે માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યાં હતાં. આઝમખાનની સામે પુત્ર અબ્દુલ્લાના જન્મના બે પ્રમાણપત્રો બનાવવા સહિત બીજા ઘણા કેસોમાં કોર્ટમાં રજૂ થયા હતા. બુધવારે આઝમખાન પરિવાર સાથે એડીજે-૬ ધીરેન્દ્રકુમારની કોર્ટમાં આત્મસમર્પણ કરી દીધું હતું જ્યાંથી કોર્ટે તેમને ૭ દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

 

કોર્ટે મંગળવારે પણ બીજા એક કેસમાં તેમના ઘરની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. હવે આ કેસની ૨ માર્ચે સુનાવણી થશે. યુપીમાં ભાજપની સરકાર આવ્યા બાદ આઝમખાન સામે ઘણા કેસો દાખલ કરાયા હતા. આઝમખાન પર હાલના સમયે ૮૪ કેસો ચાલી રહ્યા હોવાનું પણ જણાવાય છે તેમાંના ઘણા કેસોમાં કોર્ટે તેમને હાજર રહેવાનો આદેશ આપ્યો હતો તેમ છતાં પણ તેઓ કોર્ટમાં હાજર રહેવાનું ટાળતા રહ્યા હતા અને તેથી કોર્ટે તેમની સામે વોરન્ટ જારી કર્યું હતું.

 

આ કેસ ધારાસભ્ય અબ્દુલ્લા આઝમના જન્મના નકલી પ્રમાણપત્ર સાથે જોડાયેલો છે. ભાજપ નેતા આકાશ સક્સેનાએ જાન્યુઆરી ૨૦૧૯માં અબ્દુલ્લા પર જન્મના બે-બે પ્રમાણપત્ર બનાવવા માટે, આઝમખાન અને તેમની પત્નીની સામે ફરિયાદ નોંધાવી હતી. વિધાનસભાની ચૂંટણી લડવા માટે ૨૫ વર્ષની ઉંમર જરૂરી છે પણ અબ્દુલ્લા આઝમખાન ૨૫ વર્ષનો નહીં હોવા છતાં ખોટું બર્થ સર્ટિફિકેટ આપીને ચૂંટણી લડયો હતો અને તેથી અલાહાબાદ હાઇકોર્ટે તેની ચૂંટણી રદ કરી હતી.

మరింత సమాచారం తెలుసుకోండి: