ગુજરાતમાં વધતા કોવિડ-૧૯ના કેસો વચ્ચે બુધવારે એક જ સાથે ૪૦ પોઝિટીવ દર્દીઓમાં વાઈરલ લોડ ઘટીને નેગેટિવ થતા તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા આસ્તે આસ્તે કોરોના વાઈરસને હરાવીને ઘરે જનારા નાગરીકોની સંખ્યા વધીને ૧૭૯એ પહોંચ્યાની વિગતો સાથે આરોગ્ય અગ્રસચિવે ડો. જંયતિ રવિએ મેડિકલ બુલેટિન જાહેર કર્યું હતુ. ૨૪ કલાકમાં ૨૨૯ નાગરીકોમાં કોરોના વાઈરસનો ચેપ પોઝિટીવ મળ્યાના રિપોર્ટ ઉમેરાતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યા વધીને ૨૪૦૭એ પહોંચી છે. આ સમયગાળા દરમિયાન અમદાવાદમાં ૯ દર્દીઓ સમેત રાજ્યમાં કુલ ૧૩ પોઝિટીવ નાગરીકોના મૃત્યુ થતા ગુજરાતમાં બુધવારની રાતે મૃત્યાઆંક ૯૦થી વધીને ૧૦૩એ પહોંચ્યો હતો.

 

નવા નોંધાયેલા ૨૨૯ પોઝિટીવ પૈકી સૌથી વધુ કેસ અમદાવાદમાં ૧૨૮માંથી મળ્યા છે. જ્યારે સુરતમાં ૬૮, વડોદરામાં ૯ ચેપગ્રસ્ત ઉમેરાયા હતા. ડિસ્ચાર્જ થનારા ૪૦ પૈકી ૩૫ તો એકલા અમદાવાદના જ દર્દીઓ છે.

 

માહિતી મુજબ અમદાવાદમા ફરજ ઉપરના સહ કર્મચારીના પોઝિટીવ રિપોર્ટ બાદ પોતાના વતન સાંઠબા પહોંચેલા પોલીસ કર્મચારીના કારણે અરવલ્લીમાં કોરોનાનું નવુ ક્લસ્ટર સર્જાયુ છે. બુધવારે સાંઠબા સહિત આ જિલ્લામા વધુ પાંચ પોઝિટીવ દર્દીઓ મળી આવતા લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા ફરીથી સરકારને આદેશો કરવા પડયા છે.

మరింత సమాచారం తెలుసుకోండి: